હિન્દ ટીવી -ગુજરાતી, કાલાવડ
ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ હવે રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે, તેનો ઉત્તમ દાખલો કાલાવડ તાલુકાની શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાએ પૂરું પાડ્યો છે.
રાજ્ય કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત બેટરી ટેસ્ટમાં જામનગર જિલ્લાના કુલ 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા.શાળાના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સુમિત પારસિંહ નિનામા અને વિક્રમ રાજુભાઈ મીનામા એ મેરિટ સાથે DLSS (District Level Sports School) માં સ્થાન મેળવ્યું છે.
વિશેષ વાત એ છે કે આ શાળા સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓને DLSS સુધી પહોંચાડવામાં સફળ રહી છે. શાળાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલ DLSS માં અભ્યાસ સાથે નેશનલ કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે, જે સમગ્ર ગામ અને શાળા માટે ગૌરવની બાબત બની છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય અને કોચ જયેશભાઈ એચ. પુંભડિયાનું માર્ગદર્શન અને સતત મહેનત મહત્વપૂર્ણ રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
આ સિદ્ધિ બદલ SMC સભ્યો, ગ્રામજનો અને સમગ્ર શાળા પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દીની કામના કરવામાં આવી હતી.
