Sunday, February 15News That Matters

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના

હિન્દ ટીવી -ગુજરાતી, રાજકોટ

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આવી જ એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના.” જેના થકી રાજકોટના નાનાવડા ગામના સોનલબેન પાંભર આજે લખપતિ દીદી બન્યા છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર ૩૩ વર્ષીય મહિલા ખેડૂત સોનલબેન પડધરી ખાતે સખીમંડળમાં જોડાયા. એક સારો વિચાર પોતાનું અને આસપાસના લોકોનું જીવન સરળ બનાવી શકે તે સોનલબેને સાબિત કરી બતાવ્યું છે. સખીમંડળમાં “નમો ડ્રોન દીદી” યોજના વિશે જાણકારી મળતા સોનલબેનને ખેતીમાં આધુનિક પ્રયોગ કરવાની ઈચ્છા જાગી અને ૧૫ દિવસની તાલીમ મેળવવા ઘરનો ઉંબરો ઓળંગી પૂના પહોંચી ગયા.

ઘરનું રસોડું અને બાળકોને સંભાળતા, દાતરડાંથી ખેતરમાં નિંદામણ દૂર કરવા તથા પશુપાલન કરનારા સોનલબેનને પોતાના પતિ નિકુંજભાઈ તેમજ પરિવારનો સહયોગ મળતા ઇફ્કો દ્વારા યોજાતી ૧૫ દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે પૂના પહોંચી ત્યાં થિયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રીમોટથી ડ્રોન ઉડાવતા શીખે છે.

આ અંગે સોનલબેન પાંભર સહર્ષ કહે છે કે, મારા ગામના અને આસપાસ ગામના ખેડૂતો હવે મને ડ્રોન દીદી તરીકે ઓળખે છે. સરકાર દ્વારા યોજાયેલ તાલીમ અને વિનામૂલ્યે અપાયેલ ડ્રોન તેમજ ઈ-થ્રી વિલરથી મારું અને મારા પરિવારનું જીવન ધોરણ બદલાયું છે. ખેડૂતો સામાન્ય રીતે પરંપરાગત ખેતી કરવા ટેવાયેલાં હોય છે, ત્યારે સરકાર દ્વારા વિવિધ સાધન સહાયની યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેતી અને ખેડૂત સધ્ધર થઈ શકે. સોનલબેને કહ્યું કે, તાલીમ બાદ ડ્રોનથી દવાનો છંટકાવ કરવાનો પ્રથમ પ્રયોગ અમારા પોતાના ખેતરમાં જ કર્યો, આસપાસના ખેડૂતોએ આ પદ્ધતિ જોઈ અને તેઓ રાજી થયા, કેમકે દવાનાં છંટકાવ માટે આખો દિવસ લાગતો હોય ત્યાં ડ્રોન દ્વારા એક કલાકમાં દવાનો છંટકાવ થઈ જાય છે.

ડ્રોન પદ્ધતિથી દવાના છંટકાવમાં ખેડૂતોને ફાયદો જ ફાયદો છે.હવે ડ્રોનથી દવાના છંટકાવ માટે મજૂર શોધવા માટે બહાર જવું પડતું નથી. એક એકરમાં છંટકાવ માટે સાત મિનિટ જેટલો સમય લાગે. જેથી સમય, પાણી તેમજ દવાની બચત થાય છે. પંપથી દવાનો છંટકાવ કરવામાં આવે તો દવા શ્વાસમાં પણ જાય છે, જયારે ડ્રોનથી દવાનો છંટકાવ પાંદડા પર જ જાય જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.

સોનલબેને વધુમાં ઉમેર્યું હતું કે, હું દર મહિને ૮૦ હજારથી એક લાખ રૂપિયા કમાઈ લઉં છું. છેલ્લા એક વર્ષમાં મેં ૧૭૦૦ જેટલા ખેડૂતોના ખેતરમાં એટલે કે, ૩ હજાર એકરમાં દવાનો છંટકાવ કરી ૧૨ લાખની આવક મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *