હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
ચૂંટણીના કારણે સમગ્ર જિલ્લામાં આચારસંહિતા લાગુ છે તેના અનુસંધાને તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા આવા સ્થળે પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર જિલ્લામાં સમવિષ્ટ સરકારી, અર્ધ સરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તેમજ જાહેરસ્થળોએ હોય તેવા આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ સ્થળો પર સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિકારો ભોગવશે નહીં તેમજ રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટિંગને પણ મંજૂરી આપી શકાશે નહીં.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અને ચૂંટણી આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ હેઠળ સજાને પાત્ર થશે તેમજ આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધી એટલે કે તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
