Sunday, February 15News That Matters

રાજ્યકક્ષાના મંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં રાણપુરમાં વિકાસ કાર્યોના વર્કઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ

બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રાજ્યકક્ષાના મંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં સૌપ્રથમ પ્રભાતફેરી યોજાઈ હતી. ત્યારબાદ મનુભાઈ શેઠ હાઈસ્કુલના ઓડિટોરીયમમાં વિવિધ વિકાસ કામોના વર્કઓર્ડર એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, દેશભરમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેમાં ગુજરાત રંગેચંગે ભાગ લઈ રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનો વિચાર માત્ર પ્રધાનમંત્રીને જ આવે તેમ જણાવી મંત્રીએ આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્યસંગ્રામીઓના બલિદાનને યાદ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, આપણા દેશને મજબૂત તેમજ વધુ શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી ભાવિ પેઢીની છે, જે માટે બાળકોએ આપણા ઈતિહાસને જાણવો જરૂરી છે. આજે પ્રધાનમંત્રીની આગેવાનીમાં તેમજ મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ રાજ્યભરમાં વિકાસકાર્યોની રેલમછેલ છે. આત્મનિર્ભર ભારતના તમામ વચનો નરેન્દ્રભાઈએ પુરા કરી બતાવ્યા છે. બોટાદ જિલ્લાના કલેકટરના કામની પણ સરાહના કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, બોટાદ જિલ્લામાં ટુંક સમયમાં GIDC શરૂ કરવાની ક્વાયત વહીવટીતંત્રએ હાથ ધરી છે.

જેથી ભવિષ્યમાં અહીં રોજગારીની અનેક તકો ઊભી થશે. બોટાદ માર્બલના નવા હબ તરીકે ઉભરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંત્રીએ જિલ્લાના ૩૪ ગામોમાં ૧૫૪ વિકાસ કાર્યો માટે રૂ/.૪ કરોડ ૧૩ લાખથી વધુ રકમના વર્કઓર્ડર એનાયત કર્યા હતા. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા ૨.૦, વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાયના લાભાર્થીઓને પણ કીટ તેમજ સેક્શન લેટરનું વિતરણ કર્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમજ તમામ મહેમાનોને પ્રતિક રેંટીયો, કષ્ટભંજન દાદાની મૂર્તિ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આભારવિધિ કરી હતી. આ ઉપરાંત મંત્રીના હસ્તે સી.સી.રોડનૂં ખાતમુર્હૂત તેમજ પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેકટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, નાયબ કલેકટરશ્રી રાજશ્રીબેન વંગવાણી, ભાજપ અગ્રણી કાળુભાઈ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ, લાભાર્થી ભાઈ – બહેનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *