હિન્દ ટીવી – ગુજરાતી, સુરત
સુરત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રમુખદર્શન સોસાયટી, નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ સંવાદ સાધ્યો હતો. મંત્રીએ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને LED બલ્બ અને છોડ અર્પણ કરી ‘વીજળી બચાઓ’ અને ‘પર્યાવરણની જાળવણી’નો સંદેશ આપી રાજય સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. સુમન સારથિ આવાસમાં કુલ ચાર બિલ્ડીગમાં ૨૭૩ લાભાર્થી પરિવારોને છત્ર મળ્યું છે, ત્યારે મંત્રીએ લાભાર્થીઓને રૂબરૂ મળીને તેમના મંતવ્યો જાણ્યા હતા. આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યમવર્ગીય પરિવારોનું ‘ઘરના ઘર’ નું સ્વપ્ન સાકાર કરવા પારદર્શક અને માતબર સંખ્યામાં આવાસોની ફાળવણી કરી છે, ત્યારે રાજ્ય સરકાર પણ વધુમાં વધુ ગરીબ પરિવારોને છત્ર પૂરૂ પાડવા કટિબદ્ધ છે. સુરત જેવા મોંઘા શહેરમાં સામાન્ય આર્થિક પરિસ્થિતિના કારણે ઘણાં પરિવારોનું ‘ઘરના ઘર’ સ્વપ્ન ફળીભૂત થતું નથી. આવા પરિવારોને રાજ્ય સરકારે શહેરના સારા વિસ્તારમાં અને ઓછી કિંમતમાં ગુણવત્તાસભર મકાન આપી તેમને આધાર આપ્યો છે. તેમણે આવાસની ગુણવત્તા અને સુવિધાઓ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, આ PM આવાસમાં ૨૪ કલાક પાણી, ગટર અને ફાયર સલામતીની સગવડ, RCC રસ્તાઓ અને ભૂકંપ સામે ટકી રહે તેવું બાંધકામ કરવામાં આવ્યું છે. મંત્રીએ લાભાર્થીઓને આયુષ્માન ભારત’ યોજના અંતર્ગત મળતાં આરોગ્ય લાભની જાણકારી આપી જરૂરિયાત ધરાવતા પરિવારો આ યોજનાનો લાભ મેળવે તેવી અપીલ કરી હતી. સુમન સારથિ આવાસના A બિલ્ડીંગના ફ્લેટ નં. ૧૦૮માં રહેતા ૨૮ વર્ષીય લાભાર્થી આશાબહેન ધાખડાએ સુરત શહેરમાં ‘મારૂ પણ રહેવાલાયક એક ઘર હોય’ એવા સ્વપ્નને સાકાર કરવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસમાં ટાઈલ્સ, વેસ્ટર્ન ટોઇલેટ તેમજ વિશાળ કિચન જેવી સુવિધાઓ ખરેખર પ્રશંસનીય અને ગુણવત્તાસભર છે એમ તેમણે જણાવ્યું હતું. A બિલ્ડીંગના ફ્લેટ નં.૬૦૫માં રહેતા ૩૭ વર્ષીય રાજેશભાઈ ચૌહાણે કહ્યું હતું કે, સુમન સારથિ આવાસની તમામ બિલ્ડીંગોમાં બાંધકામ, પીવાના પાણીની સુવિધા, ફાયર સેફટી તેમજ પાર્કિંગની વ્યવસ્થાથી ખુશ છીએ. આ બિલ્ડીંગ નીચે ખુલ્લી જગ્યા મળી રહેવાથી તમામ તહેવારોની ઉજવણી મોકળાશથી કરી શકાય છે. ૪૫ વર્ષીય ગંગાસ્વરૂપા હંસાબહેન કળસરિયા A બિલ્ડીંગના ફ્લેટ નં. ૧૦૪માં રહે છે. તેમણે જણાવ્યું હતું કે, પતિનું અવસાન થયા બાદ બે દિકરીઓ સાથે પોતાનું ઘર હશે એ માત્ર કલ્પના લગતી હતી. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મેળવવા ફોર્મ ફર્યું હતું. સદનસીબે ડ્રોમાં આવાસની ફાળવણી થતાં આજે અમે કોઈ પણ ચિંતા વગર સ્વમાલિકીના ઘરમાં રહીએ છીએ. આવાસીય સુવિધાઓ પૂરી પાડવા બદલ અમે સરકારના આભારી છીએ. આ પ્રસંગે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ચિમનભાઈ પટેલ, પાણી સમિતિના ચેરમેન રાકેશભાઈ માળી, લાઈટ અને ફાયર કમિટીના ચેરમેન કિશોરભાઈ મિયાણી, કોર્પોરેટર સર્વ દક્ષેશભાઈ માવાણી, નરેન્દ્રભાઈ પાંડવ, જીતુભાઈ સોલંકી, અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
