Friday, September 4News That Matters

દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક દુરસ્તીકરણ : માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ઝડપી કામગીરી

હિન્દ ટીવી – ગુજરાતી, દાહોદ 

   દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના પ્રવાહથી નુકસાન થયું હતું. વરસાદી માહોલમાં નાગરિકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાહનવ્યવહાર મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના જુદા જુદા રસ્તાઓ ઉપર સાઈડ શોલ્ડરની કામગીરી કરવામાં આવી હતી આ સાથે અભલોડ પાંચવાડા જાંબુઆ ખાતે વરસાદી પાણીના નિકાળની કામગીરી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સમારકામ હાથ ધર્યું હતું.

આ ઉપરાંત વિભાગના અધિકારીઓ અને તકનીકી સ્ટાફ દ્વારા વરસાદમાં અસરગ્રસ્ત માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વરસાદના વિરામ બાદ વિભાગ હસ્તકના વિવિધ માર્ગો પર આવેલા નાળા, કલ્વર્ટ તેમજ માર્ગોની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જ્યાં માર્ગોની સપાટી પર કાદવ, માટી અથવા કચરો જમા થયો હતો ત્યાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ જરૂરી સ્થળોએ પેચવર્ક કરીને માર્ગોને ફરીથી વાહનવ્યવહારલાયક બનાવવામાં આવી રહ્યા છે.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદી મોસમ દરમિયાન તેમજ વરસાદ બાદ માર્ગોની નિયમિત દેખરેખ રાખી જરૂરી જાળવણી કામગીરી સતત કરવામાં આવી રહી છે. વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સુરક્ષિત, સરળ અને સુવિધાયુક્ત મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *