Sunday, February 15News That Matters

આગામી તા.2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા હેતુ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી

હિન્દ ટીવી – ગુજરાતી, જૂનાગઢ

     આગામી તા. 2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી છે. ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, ઈમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની પરિક્રમા રહે તે માટે જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

 કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં ગિરનારની લીલી પરિક્રમામાં જુદી જુદી કામગીરીમાં જોડાયેલા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રૂટ નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા મુદ્દા તેમજ યાત્રિકોને પરિક્રમા દરમિયાન મુશ્કેલી ન પડે અને સારી રીતે પરિક્રમા યોજાય તે માટે વિવિધ સુવિધા પર જે તે ડિપાર્ટમેન્ટની તૈયારીની વિગતો જાણીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે ટીમ વર્કથી પરિક્રમા દરમિયાન નિયત કામગીરી થાય અને સંકલન જળવાઈ રહે તે જરૂરી છે.

પરિક્રમામાં લાખો ભાવિકોની સગવડતા માટે તંત્ર દ્વારા છેલ્લા એક -દોઢ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રૂટ અને રસ્તા મરામત, પીવાનું પાણી અને આરોગ્ય અગ્રસ્થાને છે. પરિક્રમા દરમિયાન આ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સમગ્ર ટીમ કામ કરશે.

 યાત્રિકોની સુરક્ષા અને સલામતી અને સારવાર માટે લાઇન ડિપાર્ટમેન્ટનું સંકલન રહે તે માટે પોલીસ ,ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેલ્થ પાણી પુરવઠા અને પીજીવીસીએલ ના કર્મચારીઓ પોલીસ અને ફોરેસ્ટની રાવટીમાં હાજર રહે તે પ્રકારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ આ માટે ઓનલાઇન એન્ટ્રી કરશે. અને સંબંધિત વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ અંગેનું સેડ્યુલ અને ડ્યુટી લીસ્ટ પોલીસ વિભાગને આપશે. જેનો મુખ્ય આશય ઇમર્જન્સીમાં નાગરિકોની સહાયતાનો છે.

 સમગ્ર પરિક્રમા દરમિયાન વિવિધ વિભાગનું આયોજન અને તેમને કરવાની તૈયારી અંગે એસડીએમ જુનાગઢ ચરણસિંહ ગોહિલે માહિતી આપી હતી. જેમાં અગાઉના અનુભવોના આધારે કરવાના થતા સુધારા અંગે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ મહત્વની કામગીરી પરિક્રમા દરમિયાન કરવામાં આવે છે જેમાં ડી સી એફ શ્રી અક્ષય જોશીના માર્ગદર્શનમાં કરવામાં આવેલી તૈયારીઓ અને થઈ રહેલી કામગીરી ની માહિતી આપવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સતત રાઉન્ડ ધ કલોક સફાઈની કામગીરી થાય અને પાણી પુરવઠો જળવાઈ રહે અને ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં કામગીરી કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *