હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં નિયંત્રણ હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા અખિલ ભારતીય શાળાકીય અંડર – ૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ – બહેનોની ભાવનગર મહાનગરપાલિકા કક્ષા અને ભાવનગર ગ્રામ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન તા.૨૫/૦૮/૨૦૨૩ થી ૧૬/૦૯/૨૦૨૩ સુધી થનાર છે.
આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા તા.૧૯/૦૮/૨૦૨૩ નાં રોજ સરદાર પટેલ રમત સંકુલ, સિદસર ભાવનગર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં શહેર તથા ગ્રામ્યનાં વ્યાયામ મંડળના પ્રમુખ તથા શાળાનાં આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
અખિલ ભારતીય શાળાકીય (SGFI) અંડર – ૧૪, ૧૭ અને ૧૯ સ્પર્ધા અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. ખો-ખો, વોલીબોલ, કબડ્ડી અને અથ્લેટિક્સ રમતની સ્પર્ધાઓ તા.૨૫ ઓગસ્ટ થી તા.૦૧ સપ્ટેમ્બર સુધી યોજાશે. ત્યારબાદ જિલ્લાકક્ષાએથી હોકી, ફૂટબોલ,ચેસ, ટેનિસ, ટેબલ ટેનિસ, આર્ચરી, યોગાસન બેડમિન્ટન, બાસ્કેટબોલ, જુડો, કુસ્તી, હેન્ડબોલ, કરાટે, સાયકલિંગ, સ્કેટિંગ અને સ્વિમિંગ સહિતની રમતોનું તા.૨૮ ઓગસ્ટ થી તા.૧૬ સપ્ટેબર સુધી આયોજન કરવામાં આવનાર છે.
સ્પર્ધાના સૂચારૂ અને સફળ આયોજન માટે રમત દીઠ એક કન્વીનર અને સહ કન્વીનરની નિમણૂક કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ નિયત નમૂના મુજબ પોતાની સ્પર્ધાની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે મોકલી આપવી. તાલુકા તથા ભાવનગર ગ્રામ્યની માહિતી માટે શૈલેષભાઈ ગોહિલ મો. ૯૦૩૩૭૦૯૬૧૦ ભાવનગર ઝોનકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની એન્ટ્રી રત્નદીપસિંહ જાડેજા મો.૯૯૯૮૧૪૧૮૩૭ ઉપર સંપર્ક કરવો.
વધુમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દિવ્યરાજસિંહ બારીઆ દ્વારા જણાવ્યુ હતું કે, SGFI ની આ સ્પર્ધાનું આયોજન ૩ વર્ષ પછી થય રહ્યું છે. ખેલાડી તાલુકા તથા જિલ્લા કક્ષાએ ભાગ લઈ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને તેમાંથી જે ખેલાડી પસંદગી પામશે તે ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જઈ શકશે.
