હિન્દ ટીવી – ગુજરાતી , રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ (૧) લાલા લજપતરાય ટાઉનશીપ, (૨) ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, (૩) શહીદ ભગતસિંહ ટાઉનશીપ, (૪) શહીદ સુખદેવ ટાઉનશીપ અને (૫) ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવેલ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આશરે ૩૨,૦૦૦ થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં સમાજના ઓછી આવક ધરાવતા તેમજ મધ્યમવર્ગીય સહીત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને EWS તથા LIG પ્રકારના આવાસો બનાવવામાં આવેલ છે. જેમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ વિગેરે જેવી જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ આપવામાં આવેલ છે. આ આવાસ યોજનાઓમાં આવાસોની સાથે આંગણવાડી તેમજ શોપીંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવે છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે. જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલની સુવિધા, કોમન લાઈટીંગ માટે LED બલ્બનો ઉપયોગ, કન્સ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુનઃઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમના કારણે મહત્તમ સમય દરમ્યાન વરસાદી પાણીના થયેલ જળ સંચયનો ઉપયોગ થઇ શકે તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડિંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવેલ છે અને તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નીચે મુજબની આવાસ યોજનાઓને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા IGBC સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવેલ છે.
| ક્રમ | ટાઉનશીપનું નામ | વિસ્તાર | આવાસોની સંખ્યા | આવાસોનો પ્રકાર |
| ૧ | લાલા લજપતરાય ટાઉનશીપ | જડ્ડુંસ રેસ્ટોરન્ટ રોડ, હેવલોક એપાર્ટમેન્ટ સામે, નાનામવા રોડ, ટી.પી. ૫, એફ.પી. ૩૪૮ | ૨૬૦ | MIG-1 |
| ૨ | ક્રાંતિવીર મંગલપાંડે ટાઉનશીપ | શિવધામ સોસાયટી સામે, વિમલનગર મેઈન રોડ, વસંત માર્વેલની બાજુમાં, ટી.પી. ૫, એફ.પી. ૧૦૪
|
૨૮૮ | MIG-1 |
| ૩ | શહીદ ભગતસિંહ ટાઉનશીપ | રાણી ટાવર ની પાછળ, RK નગરની બાજુમાં યોગીનગરની પાછળ કાલાવડ રોડ, ટી.પી. ૫, એફ.પી. ૪૪૬ | ૨૨૪ | LIG |
| ૪ | શહીદ સુખદેવ ટાઉનશીપ | ૧૫૦ ફૂટ રીંગરોડ, દ્વારિકાધીશ હાઈટ્સની સામે, ઓસ્કાર સ્કાયપાર્કની બાજુમાં, ટી.પી. ૯, એફ.પી. S2 | ૪૪૮ | MIG-1 |
| ૫ | ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ | ૧૫૦ ફૂટ રીંગરોડ, દ્વારિકા હાઈટ્સની બાજુમાં, શ્રી કૃષ્ણ હવેલી પાસે, ટી.પી. ૯, એફ.પી. S3 | ૧૮૦ | LIG |
ગ્રીન બિલ્ડીંગ કોંગ્રેસ દ્વારા ૨૦ થી ૨૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આ મોમેન્ટો સ્વીકારવામાં આવેલ.
