હિન્દ ટીવી- ગુજરાતી
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતમાં “New India – A Techad of opportunity for Young Indians” કાર્યક્રમનું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરાયું હતું. આ અવસરે સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોર સાથે સંવાદ સાધતા કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્રભાઇ મોદીનું દેશના યુવાનોને લઇને જે વિઝન છે તેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત બદલાઈ રહ્યું છે અને દુનિયાના રોકાણકારો ભારતમાં આવતાં થાય છે અને આ બદલાતા સમયમાં ભારતમાં યુવાનો માટેના સપના પણ સાકાર થઈ રહ્યા છે એમ વધુમાં ઉમેર્યું હતું. કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આગામી સમયમાં ભારતમાં રહેલી યુવાનો માટેની તકો અંગે વાત કરતાં કહ્યું કે, આગામી વર્ષોમાં ભારતમાં ભરપૂર તકો રહેલી છે. આ તકનો લાભ આજના યુવાનોએ જરૂરથી લેવો જોઈએ. ગુજરાતના સ્ટાર્ટ અપ ક્ષેત્ર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર સ્ટાર્ટ અપક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે.

આવનારા સમયમાં ગુજરાત સ્ટાર્ટ અપ હબ તરીકે પણ ઉભરી આવે એ દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદ પણ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એ કહ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવામાં સ્ટાર્ટ અપ ક્ષેત્રનું મહત્વનું યોગદાન સાબિત થઈ રહ્યું છે. આવનારા સમયમાં ભારતના ઘડતરમાં સ્ટાર્ટ અપ ક્ષેત્રનો સિંહફાળો રહેવાનો છે. ભારત એક સ્ટાર્ટ અપ હબ તરીકે પણ વિકસિત થઇ રહ્યું છે અને દેશ અને દુનિયાના લોકો અહી આવી રહ્યા છે એમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં અભ્યાસ પુરો થયા બાદ પણ 35 વર્ષ સુધીના યુવાન યુવતીઓને કોઈપણ નવો આઈડિયા આવે તો એ આઈડીયાને સાકાર કરવામાં રાજ્ય સરકાર અઢી લાખ સુધીની સહાય પણ કરે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ – GUSEC આ અંગે વાત કરતાં કહ્યું કે, આવનારા સમયમાં ગુજરાત યુનિવર્સિટી દેશમાં એક મોડલ યુનિવર્સિટી અને આત્મનિર્ભર યુનિવર્સિટી બની રહે એ દિશામાં આગળ વધી રહી છે. આ પ્રસંગે રાજયકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આપણો દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. દેશ દુનિયાના લોકો આ ક્ષેત્રોમાં વધુમાં વધુ રોકાણ કરી રહ્યા છે, ત્યારે ભારત અને ગુજરાતના યુવાનો માટે નવી તકો રહેલી છે. તેમણે કહ્યું કે, આજનો યુવાન સમાજને મદદરૂપ થવા માટે સ્ટાર્ટટઅપ ક્ષેત્રમાં નવા નવા ઇનોવેશન પણ કરી રહ્યો છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આ અવસરે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ – GUSECની મુલાકાત લઇને વિવિધ સ્ટાર્ટ અપની વિસ્તૃતમાં માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.જે હૈદર, ડાયરેક્ટર, ટેકનિકલ એજ્યુકેશન નાગરાજન, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ડો.પી. પટેલ, GUSECના સીઇઓ રાહુલભાઇ ચંદાણી, ડિરેક્ટર રાકેશ રાવલ તેમજ સ્ટાર્ટ અપ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
