Thursday, June 4News That Matters

વલસાડના પારનેરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, વલસાડ

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ- ૨૦૨૬નું આયોજન વલસાડ તાલુકા યોગ કોચ ધરાબેન સુનિલભાઈ શોભા દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ સવારે ૭.૦૦ થી ૮.૦૦ દરમિયાન સંકટ મોચન હનુમાન મંદિર, પારનેરા ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પમાં આશરે ૧૦૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ, ધ્યાન, રમતગમત, ટીમવર્ક અને વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો.

સમર કેમ્પનો સમાપન સમારોહ તા.૨૮ મે ના રોજ સવારે ૮:૩૦ કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ, યોગ ટ્રેનર્સ પ્રેમલતા યાદવ, જ્યોતિ રાણા, શીતલ ભાનુશાલી, પારનેરા ગામના આગેવાન રાજુભાઈ પટેલ, વિરેનભાઈ પટેલ, સમર્પણ ધ્યાન સંસ્થા માંથી સુનિલ શોભા અને ધ્રુવીબેન તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રીતિબેન પાંડેએ બાળકોને જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી અંગે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું. 

સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયક વાતાવરણમાં પૂર્ણ થયો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવો, આમંત્રીતો અને બાળકો માટે નાસ્તા તથા જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમર કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતા જયભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત સભ્ય હેતલબેન પટેલ, સરપંચ ભરતભાઈ પટેલ, પારનેરા હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ અને ગામના સમાજસેવક વિરેનભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *