હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને સૂચના આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ રોશિયાએ ઉપસ્થિત રહીને પાણી, વીજળી વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરએ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરએ પ્રજાના કામો વિના વિક્ષેપે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપીને સંબંધિત અધિકારીઓને નિયત મર્યાદામાં પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. કલેક્ટરએ જિલ્લામાં પ્રર્વતમાન સ્થિતિએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો પણ અધિકારીઓ પાસેથી મેળવીને યોગ્ય સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, તાલીમી આઈ.એ.એસ. અધિકારી સુનિલ સોલંકી, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત સહિત સર્વે પ્રાંત અધિકારીઓ, સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
