Sunday, February 15News That Matters

આહવા ખાતે યોજાઈ ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીની બેઠક

હિન્દ ટીવી – ગુજરાતી, આહવા

        વેશ્વિક સ્તરે ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિના વધી રહેલા વ્યાપને જોતા તેને વધુ લોકભોગ્ય બનાવવા માટે, રાજય અને કેન્દ્ર સરકાર ભગીરથ પ્રયાસો કરી રહી છે. ત્યારે ‘આયુષ’ની સેવાઓનો લાભ છેવાડાના માનવીઓ પણ સુપેરે લઈ શકે, તેવી વ્યવસ્થા ડાંગ જિલ્લામા ઊભી કરવાની હિમાયત, ડાંગ કલેકટર ભાવિન પંડયાએ કરી હતી. આહવા ખાતે યોજાયેલલી ‘ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટી’ ની બેઠકમા ઉપયોગી માર્ગદર્શન આપતા કલેકટરએ, સોસાયટી ખાતે સંકળાયેલા વિવિધ ઘટોકોની માહિતી મેળવી, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ માટે જરૂરી માનવબળની વિગતો પણ મેળવી હતી. ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીનુ કાર્યક્ષેત્ર તથા નેશનલ આયુષ મિશન અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ, કાર્યક્રમોની પૃચ્છા કરી ક્લેક્ટર પંડયાએ, તેના અસરકારક અમલીકરણ અંગે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.કલેકટરએ સોસાયટીની ગવર્નિંગ બોડીમા નવા સભ્યો ઉમેરવાની કાર્યપધ્ધતિ સાથે સોસાયટીની સાર્વજનિક ટ્રસ્ટ તરીકેની નોંધણીની પ્રક્રિયા બાબતે પણ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ડીસ્ટ્રીકટ આયુષ સોસાયટીની બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે પણ ઉપસ્થિત રહી, ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારી ડૉ.વિપીન ગર્ગે ઉપયોગી સૂચનો સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. બેઠકમા સોસાયટી સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનુ સંચાલન ઈન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. દિગ્વેશ પટેલે પણ કર્યું હતુ. ડૉ. પટેલે જિલ્લામા ‘આયુષ’ ની કામગીરીની વિગતો રજુ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમા આયુષ સાથે સંકળાયેલા વિભાગો સહિત આરોગ્ય વિભાગ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીઓ, સંબંધિ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *